બુલડોઝર કાર્યવાહી બદલ રાજ્યો સામે કોર્ટ તિરસ્કારની કાર્યવાહી કરવા સુપ્રીમ કોર્ટનો ઇનકાર

ભારતની સુપ્રીમ કોર્ટે ગુરુવારે બુઝડોઝર કાર્યવાહી બદલ ઉત્તરાખંડ, રાજસ્થાન અને ઉત્તરપ્રદેશના સત્તાવાળા સામે કોર્ટ તિરસ્કારની કાર્યવાહી કરવાની માગણી કરતી એક અરજી ફગાવી દીધી હતી. અહીં ઉલ્લેખનીય છે કે સુપ્રીમ કોર્ટે ડિમોલિશન કાર્યવાહી રોકવાનો અગાઉનો આદેશ આપ્યો હતો.

સર્વોચ્ચ અદાલતે જણાવ્યું હતું કે બુલડોઝર કાર્યવાહી સંબંધિત સીધી કે આડકતરી રીતે ન જોડાયેલા અરજદારની અરજીની તે સુનાવણી કરશે નહીં. ડિમોલિશનથી પ્રભાવિત વ્યક્તિઓને કોર્ટમાં આવવા દો, અમે તેની સુનાવણી કરીશું. અમે મધપૂડો છંછેડવા માગતા નથી.

અરજદારના વકીલે આરોપ મૂક્યો હતો કે હરિદ્વાર, જયપુર અને કાનપુરમાં સત્તાવાળાઓએ સર્વોચ્ચ અદાલતના આદેશની અવમાનના કરી મિલકતોને તોડી પાડી હતી. ઉત્તરપ્રદેશ સરકાર તરફથી હાજર રહેલા એડિશનલ સોલિસિટર જનરલ કે એમ નટરાજે જણાવ્યું હતું કે અરજદાર ત્રાહિત પક્ષ છે અને તેઓ એ હકીકતોથી વાકેફ નથી કે સત્તાવાળાએ ફૂટપાથ પરના અતિક્રમણને દૂર કર્યાં હતાં. અરજદારે કેટલાક મીડિયા અહેવાલોના આધારે કોર્ટમાં અરજી કરી હતી.
સર્વોચ્ચ અદાલતે 17 સપ્ટેમ્બરે આદેશ આપ્યો હતો કે તેની પરવાનગી વગર 1 ઓક્ટોબર સુધી દેશભરમાં કોઈ ડિમોલિશન નહીં થાય.જોકે, કોર્ટે સ્પષ્ટતા કરી હતી કે જાહેર રસ્તાઓ, ફૂટપાથ, રેલ્વે લાઇન અને જળાશયો પરના અનધિકૃત બાંધકામોને આ આદેશ લાગુ પડશે નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *